હકડેઠઠ
Hakadethath
કેટલાક તફાવતોને બાદ કરતાં આમ જોવા જઈએ તો ગઝલ અને દુહામાં ઘણું સામ્ય જોવા મળે છે. જેમ ગઝલમાં બે પંક્તિમાં ચોટદાર અભિવ્યક્તિ દ્વારા વાત કહી શકાય તેમ દુહામાં પણ બે પંક્તિમાં અસરકારક વાત કહી શકાય છે. આ સામ્યતાના લીધે જ દુહાનો પ્રકાર ગઝલકાર ભાવેશ ભટ્ટને આકર્ષે છે અને તેઓ લઈને આવે છે પોતાનો પ્રથમ દુહાસંગ્રહ. લગભગ હજારેક દુહા ધરાવતા આ સંગ્રહમાં વિપુલ પ્રમાણમાં વિષયવૈવિધ્ય જોવા મળે છે. ઘડિયાળના કાંટે ચાલતો આજનો માણસ જાણે ઘડિયાળનો ગુલામ ન હોય...!! સાંપ્રત સમયની આ પરિસ્થિતિને દુહામાં વર્ણવે છે. ‘દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ’ જેવી સુપ્રસિદ્ધ કહેવતને પડકારે છે. માણસને આમ તો ખાલીપણું ડંખતું હોય છે, પરંતુ આજનો માણસ કદાચ ભીડથી પીડાઈ રહ્યો છે. મોટાં-મોટાં દેવમંદિરોમાં દર્શન માટે પડાપડી કરતા ભક્તોની દુર્દશાનો ચિતાર, સામાજિક અસમાનતા, માલેતુજોરોના દંભ, ગુરુઓના પાખંડ વચ્ચે ઈશ્વરની નિષ્ક્રિયતા જેવી વાસ્તવિકતાઓ પર વ્યંગ કરી ચાબખા મારતા આ દુહાઓમાં ક્યાંક મનુષ્યની ખુમારી, ઈમાન અને સત્યનાં પણ દર્શન થાય છે. દરેક દુહા પછી ચિંતન કરવા મજબૂર કરતો આ સંગ્રહ વાચકને સાંપ્રત પરિસ્થિતિ વિશે સજાગ કરી મૂકે તો નવાઈ નહીં.
Product Details
- Pages:136 pages
- Language:Gujarati
- Format:Paperback