નીલેશ કાથડ
દેશની રાષ્ટ્રીયકૃત બૅન્કમાં ચીફ મૅનેજરપદેથી વયનિવૃત્ત થયેલા નીલેશભાઈ કવિ પણ છે અને ગુજરાતી દલિત સાહિત્યનો એક આગવો અવાજ પણ છે. પોતાની નિવૃત્તિ સુધીની જીવનયાત્રા બયાન કરતી નીલેશભાઈની આત્મકથા માત્ર સંસ્મરણો અને સુખદ પ્રસંગોનું ભાથું નથી, પરંતુ એક દલિત તરીકે આજીવન વેઠેલી વેદનાનો દસ્તાવેજ પણ છે, જે સામાજિક દંભનો પર્દાફાશ કરી હૃદય વલોવી નાખે છે. પોતે સહન કરેલી અનેક મુશ્કેલીઓ, અવહેલના, અવગણના, અપમાન, જાતિભેદ અને માનસિક શોષણ જેવી હકીકતોને વિના સંકોચ આલેખી છે. એક દલિત હોવાના કારણે પટેલ-વસવાયાથી અંતર રાખવું, ચા પીવાની રકાબી ઘરેથી લઈ જવી, અલગ કૂવેથી પાણી ભરવું, બૅન્કના ઉચ્ચ અધિકારી હોવા છતાં ગામમાં ભાડેથી મકાન ન મળવું કે મંદિરોમાં પ્રવેશ ન મળવા જેવી અનેક ઘટનાઓ ભેદભાવયુક્ત સામાજનો અસલી ચહેરો રજૂ કરે છે. છૂત-અછૂત અને અવગણનાની ક્રૂર ઘટનાઓમાંથી પસાર થયેલા લેખકે પાને-પાને પીડાને વહેતી કરી છે અને અંદરખાને છૂપો વિદ્રોહ પણ કર્યો છે. તો ક્યાંક મિત્રો અને સંબંધીઓ દ્વારા થયેલા સુખદ અનુભવોને પણ ટાંક્યા છે અને દલિત સમાજમાં વ્યાપેલા વ્યસન અને અંધશ્રદ્ધા જેવાં દૂષણો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. કથામાં સૌરાષ્ટ્ર અને ઘેડ વિસ્તારના લોકજીવન, પોશાક, રમતો અને મીઠી તળપદી બોલીનો થયેલો સુંદર વિનિયોગ કથાની પ્રવાહિતાને અકબંધ રાખી આસ્વાદ્ય બનાવે છે. પડછાયાની જેમ પીછો કરતી આભડછેટ અને તેની સામેના વિરોધની આ સત્યાગાથા વાચકોના હૃદયની વલોવી મૂકશે.
હિન્દી અને મરાઠી સાહિત્યમાં લખાયેલી ઉલ્લેખનીય દલિત આત્મકથાઓએ અનેક સાહિત્યમર્મીઓને પ્રભાવિત કર્યા છે, જેના પગલે ગુજરાતીમાં દલિત આત્મકથાનો પ્રવાહ શરૂ થયો છે. નીલેશભાઈની આ આત્મકથા પણ માત્ર દલિત સમાજની પીડાના આલેખનથી આગળ વધી સમગ્ર સમાજના સ્વનુભાવોનો જીવંત દસ્તાવેજ બની રહેશે.