‘જીવતરનો અજવાશ’ ૧૭ સેવાકર્મીઓના ચરિત્રલેખો આપણી સમક્ષ રજૂ કરે છે. જેમાં સામેલ છે ‘વડનગરના વડલા’ ડૉક્ટર દ્વારકાદાસ જોશી, સુરતનાં યશસ્વી ઉદ્યોગપતિ સેવંતીલાલ શાહ, દાક્તરીનો ચરમ આદર્શ ડૉ. વી. એન. જોશી, અધ્યાપનમાં આભિજાત્ય ધરાવનાર ડૉ. અંબાશંકર નાગર, નિર્ભાર વિદ્વત્તા ધરાવનાર પદ્મશ્રી ભોળાભાઈ પટેલ, દૃષ્ટિવાન પ્રજ્ઞાચક્ષુ બેલડી રમણીકલાલ અને હસુમતીબહેન હાલારી, દૂધક્રાંતિનાં પિતામહ ત્રિભોવનદાસ પટેલ, ગુરુતુલ્ય શિક્ષક હમીરસિંહ પરમાર, ધ્યેયમાર્ગનાં પથિક ડૉ. નારાયણરાવ ભંડારી, વિરલથીયે વિશેષ ડૉ. વસંત પરીખ, રાષ્ટ્રભાષા પ્રચારના અવધૂત જેઠાલાલ જોશી, શીલભદ્ર શિક્ષક ડી. એમ. જોશી, શિક્ષકોનો ગર્વ વધારનાર આત્મારામભાઈ, આરપારનું જાહેર જીવન જીવનાર મહેન્દ્ર મશરૂ, સાબરકાંઠાની સંત ત્રિપુટી પૂજ્ય રામજી, નાથુ અને જેસંગ બાવજી અને કર્તવ્યનિષ્ઠ નારખાનજી જમાદાર. દરેક લેખમાં જે-તે વિભૂતિનો સંક્ષિપ્ત પરિચય તો મળે જ છે, સાથે તેમના જન્મથી લઈને જીવનના મહત્ત્વના તબક્કાઓ અને પોતાના ક્ષેત્રમાં આપેલા યોગદાનની વિગતોનો ઊંડાણપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અર્થે દરેક ચરિત્રલેખ માત્ર લેખ સુધી સીમિત ન રહેતાં સંક્ષિપ્ત આત્મકથાનું રૂપ ધારણ કરે છે. લેખક દ્વારા કરવામાં આવેલો સમૃદ્ધ ભાષાપ્રયોગ જે તે સમયે બોલાતી ભાષા અને સમૃદ્ધ માનવીય ચેતના અને સદ્ભાવનાનું પ્રતિબિંબ છે. ઇતિહાસનાં પાનાંમાં ઓઝલ થઈ ગયેલી આ નિઃસ્વાર્થ સેવાવિભૂતિઓને અંજલિરૂપે લખાયેલું આ પુસ્તક તેમના જીવનકર્મ અને ચરિત્રોથી વાચકોના જીવનમાં પણ પ્રેરણાનો અજવાશ ફેલાવશે.