વંદના શાંતુ-ઇન્દુ
કીડી પૃથ્વી પરનો એક સૂક્ષ્મ જીવ.
કીડીની સૂક્ષ્મ દુનિયામાં પોતાની કલ્પનાઓના લેન્સથી ઝૂમ-ઇન કરે છે લેખિકા વંદનાબહેન અને સર્જે છે બાળવાર્તાસંગ્રહ ‘અળવીતરી કીડીબાઈ’.
પોતાની મમ્મી સાથે એક નાનકડા દરમાં રહેતી લાલચટક કીડી, સ્વભાવે ખુશમિજાજી, તોફાની અને સાહસિક પણ. રોજ એને કંઈક નવું કરવા જોઈએ.
ક્યારેક નદીકિનારે જઈ અબરખના ટુકડાને ઝાંઝર બનાવી પગે પહેરે... ક્યારેક વિશાળકાય હાથીભાઈને પગ નીચે લાવવાનાં સપનાં જુએ.... ક્યારેક તેની દોસ્તના દફતર પર બેસી પાણીપૂરીમાં ડૂબકી ખાઈ આવે તો વળી ક્યારેક ખિસકોલીની પૂંછડીમાં પેંસી પહોંચી જાય ઝાડની ટોચે...
ધમાલમસ્તીમાં રચીપચી રહેતી અળવીતરી કીડીબાઈ ક્યારેક ઘરનો રસ્તો પણ ભૂલી જાય અને ક્યારેક ચ્યુઇંગ-ગમમાં ચોંટી પણ જાય.
આ સાહસોમાં કીડીબાઈની પાક્કી દોસ્ત ચકલી તેની મદદ કરવા તત્પર રહે.
કીડીબાઈનાં અવનવાં સાહસો અને વંદનાબહેનની અવનવી કલ્પનાઓ બાળકોને પોતાના આગવા કલ્પનાવિશ્વમાં રાચતાં કરી દેશે.