પુષ્પા અંતાણી
‘વાર્તાનગરી’ બાળકોને વાર્તાઓની કોઈ અલગ નગરીમાં લઈ જાય છે. અહીં જંગલની રક્ષા કરતી ઘોડા-વાંદરા-કાગડાની ત્રિપૂટી છે, ઊંચ અને નીચના ભેદ છોડી સંપીને રહેવાનું શીખવતાં ખિસકોલી અને ઉંદર છે, હિંસા છોડી ‘જીવો અને જીવવા દો’નો સંદેશ આપતાં હિંસક પ્રાણીઓ છે. અહીં કાળા-ધોળાના રંગભેદ સામે શીખામણ આપતી વાર્તા છે, અફવાઓ દ્વારા અશાંતિ ફેલાવવાના પ્રયાસો સામે લાલબત્તી ધરવામાં આવી છે, મરઘી-બતક તથા મંકોડા-મધમાખીની દોસ્તી છે, પીઠમાં સંતાડેલો પૈસો ખણકાવતો દેડકો છે, જુદા જુદા રંગ અને આકારની જલેબી બનાવતો રીંછ છે અને ગીતો ગાતું મનમોજી તમરું છે.
આ વાર્તાઓમાં પોતાના જ પડછાયાથી ડરતો પિન્કુ, પતંગિયાં પાછળ પાગલ છોકરી, માનવતાનો ધર્મ શીખવતાં અને જાતે નુકસાન વેઠી બીજાને મદદ કરતાં બાળકો છે. આ બધું વાર્તારસથી ભરપૂર રોચક શૈલીમાં કહેવામાં આવ્યું છે.