ડૉ. ભારતી રાણે
પ્રવાસવર્ણનો, લલિત નિબંધો, નવલકથા જેવા સાહિત્યપ્રકારોમાં ખેડાણ કર્યા બાદ લેખિકા ભારતી રાણે ટૂંકી વાર્તાઓ પર કલમ અજમાવે છે. તેમની વાર્તાઓનું પોત સ્વપ્નો અને કલ્પના કરતાં જિવાતી જિંદગીની વાસ્તવિકતાથી બંધાયું છે. વિવિધ દેશોના પ્રવાસ દરમિયાન તેમને થયેલા પ્રત્યક્ષ અનુભવો તેમની કેટલીક વાર્તાઓની આધારભૂમિ બન્યા છે, જેમાં ક્યાંક વિભિન્ન માનવસમુદાયોના પ્રશ્નો છે તો ક્યાંક પોતાના તબીબી વ્યવસાયના નોખા અને સંવેદનાસભર પ્રસંગો વાર્તાનું રૂપ પામ્યા છે. વડીલોની ઉતાવળી અપેક્ષા, પરંપરાગત વિચારધારાનો ભોગ બનતાં નવી પેઢીનાં સંતાનોની વેદના, વિદેશમાં સંઘર્ષો કરી જીવતા લોકોને યાદ આવતા સ્વજનો, સતત સુખની શોધમાં નીકળેલા માણસનું દુઃખોની વચ્ચે ઠરીઠામ થઈ જીવવું, કંઈક મેળવવાની ઝંખના પાછળ સતત દોડ્યે જતો માણસ... આ બધી જ પરિસ્થિતિઓ અને સમસ્યાઓ ભારતીબહેનની વાર્તાઓમાં કથ્ય છતાં અકથ્ય રીતે સ્થાન પામ્યાં છે. આપણી આસપાસ બનતા પ્રસંગો અને તેનાં પાત્રોને વાર્તાનું માધ્યમ બનાવી ભારતીબહેને સાંપ્રત જીવનમાં આકાર પામતી સમસ્યાને આ વાર્તાઓમાં સ્થાન આપ્યું છે. દૃશ્યોનું સરળ સહજ છતાં આકર્ષક શૈલીમાં વર્ણન અને સંવેદનાઓનું પ્રતીકાત્મક નિરૂપણ દરેક વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. દરેક વ્યક્તિને પોતાના અંતરંગ ભાવવિશ્વનું પ્રતિબિંબ બતાવતી આ વાર્તાઓ દરેક વાચકને સ્પર્શી જશે.