દીનેશ પરમાર (ડૉ.)
સતત પરિવર્તનશીલ એવા જગતમાં દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવતું જાય છે. આજનું શિક્ષણ પણ હાઈટેક યુગમાં પ્રવેશી ચૂક્યું છે. સમાજને સંસ્કૃત, રાષ્ટ્રોને મજબૂત અને વિશ્વને એક કરવા માટે શિક્ષણ અનિવાર્ય છે. એક શિક્ષક હોવાના નાતે દિનેશભાઈએ પોતાના શાળાકક્ષાના રોજબરોજના અનુભવોને વિવિધ શિક્ષણનિબંધોમાં પરિવર્તિત કર્યા છે, જેની ફળશ્રુતિ એટલે આ પુસ્તક.
પ્રસ્તુત લેખો અને નિબંધોમાં વિદ્યાર્થીના ઋજુ મનને સમજીને તેની સામે આવતા શિક્ષણ પડકારોને વાચા આપવામાં આવી છે તેમ જ તેનું યોગ્ય નિરાકરણ લાવવા માટેનાં સૂચનો કરવામાં આવ્યાં છે.
શિક્ષણપ્રણાલીનું અભિન્ન અંગ એવા વિદ્યાર્થીઓને પોતાની વાત કહેવા માટેનો મંચ પૂરો પાડવા ‘સજેશન બૉક્સ’ની વાત કરે છે. તો વળી બાળકોને ઉપયોગી એવી સ્ક્રેપબુકનું મહત્ત્વ સમજાવ્યું છે. સ્વામી વિવેકાનંદનું શિક્ષણદર્શન આજના સમયમાં કેટલું પ્રસ્તુત છે તેની સુંદર વાત કરી છે. વિદ્યાર્થીઓ એકબીજાને મદદ કરી આગળ વધે તેવી ભાવના વિકસાવવા ‘હૅપ્પી ટુ હેલ્પ’નો વિચાર રજૂ કર્યો છે. શાળામાં રોજ સવારે થતી પ્રાર્થના માત્ર ઔપચારિકતા ના બની રહે તેના તરફ અંગુલીનિર્દેશ કર્યો છે. તો ક્યાંક ‘નિષ્ફળતા એ સફળતાનું પહેલું પગથિયું છે’ તે હકીકત સમજાવી બાળકોનો ડર દૂર કરવાનો ઉત્કૃષ્ટ પ્રયાસ કરવામાં આવ્યો છે. બાળકોમાં જીવનમૂલ્યોનું સિંચન થાય અને ભવિષ્યમાં તેઓ ઉત્તમ નાગરિક બની વિશ્વમાનવ બની શકે તેવી ઉદાત્ત ભાવના સાથે રજૂ કરવામાં આવેલા 21 લેખો શિક્ષણ વિશેની પાયાની સમજણ રજૂ કરે છે, જે શિક્ષકો અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી બની રહેશે.