logo

ચહેરા (Ghazal Sangrah)

ચહેરા

યુસુફ બુકવાલા

ગુજરાતી ગઝલના આકાશમાં અનેક ગઝલકારો સિતારાની જેમ ચમકી રહ્યા છે, પરંતુ કેટલાક ગઝલકારોનું અનોખું પ્રદાન હોવા છતાં તેઓ અલ્પ-પ્રસિદ્ધ રહ્યા છે. આવું જ એક નામ એટલે જનાબ યુસુફ બુકવાલા. માત્ર ચૌદ વર્ષની ઉંમરથી કવિતાનો શોખ ધરાવનાર યુસુફભાઈ તેમની આસપાસ યોજાતા મુશાયરા અને બેઠકોમાં આસિમ રાંદેરી, ઇસ્માઇલ પંજુ અને શયદા જેવા ઉસ્તાદ ગઝલકારોને સાંભળી ગઝલો લખતા થયા. ઇસ્માઇલ પંજૂ ‘સહર’ના મુક્તકોએ તેમને વિશેષ આકર્ષ્યા અને તેઓની કલમ મુક્તક અને રૂબાઈ તરફ ઢળી. ‘ઉસ્તાદ’ના તખલ્લુસથી ગઝલો રચનાર યુસુફભાઈનાં મુક્તકો મુશાયરાની શાન બનતાં ગયાં અને તેમને ‘મુક્તકસમ્રાટ’નું ઉપનામ મળ્યું. પોતાનાં મુક્તકો, નઝમો, ગઝલોને લઈને દેશ-વિદેશમાં પ્રવાસ કરનાર યુસુફભાઈનો પ્રથમ અને એકમાત્ર ગઝલસંગ્રહ ‘ચહેરા’ ૧૯૯૪માં પ્રગટ થયો, જેની પ્રસ્તાવના સુપ્રસિદ્ધ કવિ હરીન્દ્ર દવે અને ગઝલકાર કૈલાસ પંડિતે લખી હતી. આ ગઝલસંગ્રહ પ્રગટ થયાના ૮થી ૧૦ દિવસમાં જ તેઓ જન્નતનશીન થયા અને ગુજરાતી ગઝલસાહિત્યમાં મુક્તકોનું અનન્ય પ્રદાન કરનાર યુસુફભાઈનું નામ પણ ઇતિહાસના પ્રવાહમાં ક્યાંક વિલીન થઈ ગયું. પરંતુ ગઝલના અસલ રસિકો અને નવલોહિયા ગઝલખેડુ યુવાનોને યુસુફભાઈ બુકવાલાનો યથાર્થ પરિચય થાય એ હેતુથી ૩૧ વર્ષ પછી તેમના ગઝલસંગ્રહની નવી સંવર્ધિત આવૃત્તિ પ્રકાશિત કરવાનો ઉપક્રમ યોજાયો. પ્રેમ, વિરહ, જીવનની વાસ્તવિકતા, ઈશ્વર, સુરાલય, સંસાર જેવા વિષયો ઉપર સંવેદનશીલ નઝમો, સૂચક રૂબાઈઓ અને ચોટદાર મુક્તકો અને ગઝલોથી સભર આ સંગ્રહમાં પરંપરાનો સૂર તો પડઘાય છે જ, સાથે યુસુફભાઈનો વિનમ્ર અને વિનયપૂર્વકનો મિજાજ પણ છલકાય છે, જે આજના ગઝલપ્રેમીઓને યુસુફ બુકવાલાનો સુપેરે પરિચય કરાવી એ જાજરમાન સાહિત્યયુગની યાદ તાજી કરાવે છે.  

₹150.00

  • Pages: 90 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Ghazal Sangrah
  • Dimensions: 144 cm x 215 cm
  • Weight: 148 gm
scroll-top