Loading cart...
તમે પાંચ કે ૧૦ શેરની ગઝલો તો વાંચી હશે? પણ શું તમે ૧૦૦૮ શેરોની એક સળંગ ગઝલની કલ્પના કરી શકો? આવી જ ગઝલ એટલે કવિ શ્રી ભાવિનભાઈ ગોપાણીનું પુસ્તક ‘દીવાલની પાછળ’. ‘હજારો હાજરીમાં શું દશા થાશે કયામતમાં? જીવનભર એકલો જીવ્યો હતો દીવાલની પાછળ’. પ્રથમ દૃષ્ટિએ મરીઝના લાગતા આ શેરની પ્રથમ પંક્તિ જનાબ મરીઝસાહેબની જ છે, પરંતુ બીજી પંક્તિ ભાવિનભાઈની સ્વતંત્ર પંક્તિ છે, જે આ શેરને નવો અર્થ અને શેરિયત બક્ષે છે. ગુજરાતી ભાષાના આવા ૨૫૦ વિવિધ ગઝલકારોના શેરોની પ્રથમ પંક્તિ સાથે પોતાની મૌલિક પંક્તિ જોડીને ૧૦૦૮ શેરની રચના કરી એક દીર્ઘ ગઝલ આપણી સામે મૂકી છે. કમાલની વાત એ છે કે તમામ શેરોનો છંદ એક જ છે અને ‘દીવાલની પાછળ’ રદીફ પણ સાતત્યપૂર્વક શેરોમાં જળવાયો છે. ગુજરાતી ભાષામાં થયેલો આ નૂતન પ્રયોગ કાબિલે તારીફ તો છે જ, પરંતુ એક સર્જક માટે પડકારભર્યો પણ છે. જેને ભાવિનભાઈએ પોતાની ધીરજ અને ગઝલનિષ્ઠાથી પાર પાડ્યો છે. છંદ અને રદીફનું ચુસ્ત બંધન હોવા છતાં આ શેરોમાં ક્યાંય કૃતકતા પ્રવેશી ન જાય એની ભાવિનભાઈએ ખૂબ કાળજી રાખી છે. પુસ્તકમાં દરેક શેર સાથે મૂળ ગઝલકારનું નામ પણ ટાંકવામાં આવ્યું છે. આમ ગુજરાતી ભાષાનાં નીવડેલા અને નવા મળીને કુલ ૨૫૦ ગઝલકારોનો પરિચય થાય છે. ‘દીવાલની પાછળ’ શબ્દસમૂહમાં મોજૂદ દીવાલ માત્ર દીવાલ ન રહેતા વિવિધ અર્થોનું વિરાટ ભાવવિશ્વ રચી આપે છે, જે ગુજરાતી વાચકો માટે આસ્વાદ્ય બની રહે છે.