રાકેશ હાંસલિયા
સરળ-સહજ બાની અને સીધી અભિવ્યક્તિ એ સાંપ્રત ગઝલનો પ્રવાહ છે. એમાં રાકેશભાઈ પોતાનો આગવો સૂર લઈને આવે છે. મિત્રતા પર અઢળક શેર લખાયા છે. રાકેશભાઈ મોકળા મનવાળા સાથે મિત્રતા કરવાનું કહે છે. જિંદગીનો સાચો આનંદ બાળસહજ નિખાલસતામાંથી મળતો હોય છે. આ વાતને સમજાવતો પણ સુંદર શેર પ્રયોજ્યો છે. ક્યાંક અમીર બનવાની નોખી રીત બતાવતો શેર કહે છે તો ક્યાંક આ ક્ષણભંગુર જિંદગીને જીવી લેવાની સાચી રીત બતાવતો શેર કહ્યો છે. માનો મહિમા ગાતાં અનેક કાવ્યો અને શેરો આપણે માણ્યાં છે. રાકેશભાઈ માને એક અલાયદા શેરમાં યાદ કરે છે. ડગલે ને પગલે વિશ્વાસઘાત કરતી દુનિયાનો સાચો ચહેરો બતાવતા શેર ચોટદાર છે અને સાચી સફળતા પ્રાપ્ત કરવા જાતને પરખાવાનું ઈંગિત કરતા શેરો પણ અનોખા છે.
સાદા-સરળ રદીફ-કાફિયા છતાં છંદ અને બહેરોમાં વૈવિધ્ય ધરાવતો આ ગઝલસંગ્રહ આજના વાચકોને જરૂર આકર્ષશે.