જિતેન્દ્ર દવે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતાનો જન્મદિવસ કેવી રીતે ઉજવવાનો આગ્રહ રાખતા તેની વિગતવાર વાત કરે છે આ પુસ્તક ‘બીજી ઓક્ટોબર’. સ્વયમ્ ગાંધીજીએ તેમની વર્ષગાંઠ ભાગ્યે જ ઉજવી હશે પરંતુ તેમના અંતેવાસીઓ, આશ્રમના કાર્યકરો, રાજકારણીઓ, ત્યાં સુધી કે તેમના વિરોધીઓ અને અંગ્રેજ અધિકારીઓ પણ તેમનો જન્મદિવસ ઉજવવા તત્પર રહેતા.
ઘણા તે દિવસે સ્વદેશીનું વ્રત લેતા. ઘણા સુતર કાંતતા. કેટલાક અંત્યજોની સેવાની પ્રતિજ્ઞા કરતા. સ્વદેશી સ્ટોરમાં નાણાકીય મુશ્કેલીઓ હોવા છતાં ચીજ વસ્તુઓમાં ભાવઘટાડો કરાતો. દેશના વિવિધ સ્થળોએથી નેતાઓ, વાઇસરોય, અંગ્રેજ અધિકારીઓના પત્રો આવતા જેમાં ગાંધીજીના સત્ય અને અહિંસાનાં માર્ગની પ્રશંસા કરવામાં આવતી સાથે તેમના દીર્ઘાયુની કામના પણ કરવામાં આવતી. પરંતુ તેમના આખરી જન્મદિવસે જ્યારે દેશ હિન્દુ-મુસ્લિમ રમખાણો અને ભાગલાનાં કપરા દિવસોમાંથી પસાર થઈ રહ્યો હતો તે દિવસે બાપુ બોલી ઉઠ્યા કે ‘હિંદ હજી ભડકે બળતું હોય એવી સ્થિતિમાં મારી બીજી વર્ષગાંઠ આવે એમ હું નથી ઇચ્છતો’.
ગાંધીજીની વર્ષગાંઠની ઉજવણીની સિલસિલાવાર તવારીખ કરતા લેખો અને અહેવાલોમાંથી તારવીને તૈયાર થયેલું આ પુસ્તક તેમની હયાતીમાં ઉજવાતા તેમના જન્મદિવસનો અનેરો મહિમા રજૂ કરે છે અને આપણામાં ગાંધી મૂલ્યનું પુનઃસ્થાપન કરે છે.