સૌરભ ખખ્ખર
એક સમય હતો જ્યારે આપણાં શહેરો જાતભાતનાં બજારો, પેઢીઓ અને જૂની દુકાનોથી ધમધમતાં હતાં. આ ધંધાઓ માત્ર નફાના ઉદ્દેશથી નહોતા ચાલતા. તેમના પાયામાં હતી નીતિમત્તા. માલમાં હતી ગુણવત્તા અને સંબંધોમાં હતો વિશ્વાસ. સમય બદલાયો. નીતિમત્તા અને ગુણવત્તાનાં ધોરણો કથળ્યાં. સંબંધોની સુવાસ ઓસરી અને પેઢીઓજૂના ધંધા વીખરાતા ગયા. આવો જ એક ત્રણ ત્રણ પેઢીથી ચાલતો આવતો 50 વર્ષ જૂનો ધંધો. માલિક માટે તો એ ધંધો નહીં, પણ મંદિર હતું. અને તેમના ગ્રાહકો તેમના ભગવાન. પરંતુ નવી હવા અને નવા વિચારો ધરાવતી નવી પઢી માટે તો આ માત્ર પૈસા કમાવાનું સાધન. આ ધંધાના પાયામાં રહેલાં મૂલ્યો સાથે એમને કોઈ લેવાદેવા નહીં. અને એટલે જ કદાચ તેઓ બદલાતા માહોલને કારણે આ મોકાની દુકાન વેચી ન્યાલ થઈ જવા માગે છે. એવામાં નવી પેઢીને નવાં નવાં પ્રલોભનો આપી જૂની રીત-રસમોને છોડી ધંધો ચલાવવા નવા પ્રકારો અપનાવવા માટે આકર્ષણ ઊભું કરવામાં આવે છે. એક તરફ છે પેઢીઓજૂની શાખ તો બીજી તરફ બ્રાન્ડિંગ, એક તરફ છે ધંધા અને મૂલ્યોને સમતોલ રાખતું જૂનું ત્રાજવું તો બીજી તરફ છે ગ્રાહકોને અપાતી લોભામણી સુવિધાઓ, એક તરફ છે લાલ ચોપડામાં નોંધાયેલા સંબધોનો હિસાબ તો બીજી તરફ છે પાવરપૉઇન્ટ પ્રેઝન્ટેશન.
શું આ સ્પર્ધાત્મક અને મૂડીવાદના સમયમાં નીતિમત્તા, પ્રામાણિક મૂલ્યો અને ગ્રાહકનો વિશ્વાસ કામ લાગે છે? નવા જમાનાની લાગણીહીન વેપારપ્રથા તથા નીતિમત્તાનો હ્રાસ. એવા સમયમાં કેટલાય વેપારીઓની પીડાને વાચા આપતી આ કથા વેપાર અને ધંધાની મૂળ પરિભાષાને ફરીથી ઉજાગર કરે છે. ગમે તેવા આર્થિક સંકટ સામે ટકી જઈ પોતાની કોઠાસૂઝ અને સારાઈથી પોતાની ઓળખ પુનઃ પ્રસ્થાપિત કરતી આ કથા વાચકો માટે પ્રેરણાદાયી બની રહેશે.
ગુજરાતી સાહિત્યની નવી પેઢીની સર્જનક્ષમતાનો પરિચય આપતી અને વાર્તાકથનને નવી ઢબે અજમાવતી આ નવલકથા આજના વાચકોને સ્પર્શી જશે.