રાજુ દવે
વિવિધ કલાનાં ક્ષેત્રો અને જાહેર જીવનને સમર્પિત ૧૧ વિલક્ષણ પ્રતિભાઓનું પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે અને જેમની જીવનયાત્રા પ્રેરણાદાયી રહી છે, તેઓની સાથે રાજુભાઈ વિસ્તૃત મુલાકાત કરે છે, અથવા કહો કે ગોઠડી માંડે છે, જેમાં દરેક પ્રતિભાને ખૂલવા અને ખીલવાનો અવકાશ મળ્યો છે, જેના પરિણામે તેમના જીવનની અંતરંગ વાતોનો બૃહદ પરિચય પ્રાપ્ત થયો છે. જેમ કે પોતાના દાદા પાસેથી અધ્યાત્મના પાઠ ભણનાર મોરારિબાપુની મુલાકાત પ્રેરણાદાયી છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાંથી સંચિત જ્ઞાનામૃત જનસામાન્ય સુધી પહોંચાડતા પાંડુરંગ શાસ્ત્રી બાદ તેમનાં દીકરી જયશ્રીદીદીનો સેવાયજ્ઞ સન્માનનીય છે. ભજનસાહિત્ય ઉપર ઊંડાણપૂર્વક કામ કરનાર નિરંજન રાજ્યગુરુ ભજનયાત્રાને યોગ સાથે સરખાવી ભજનના સ્વરૂપને નવા આયામ પર મૂકે છે. જૈન ધર્મના ઉમદા ગુણો દેશવિદેશના ગૃહસ્થો સુધી પહોંચાડનાર ચિત્રભાનુજીની મુલાકાત આધ્યાત્મિક ચેતના જગાવે છે. શાસ્ત્રીય સંગીતના અભ્યાસુ બટુકજી દીવાનજીના અનુભવો ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ બતાવે છે. સ્વરચિત વાજિંત્ર બેલાબહાર માટે જાણીતા બાબુલાલ ગંધર્વ સંગીતના વ્યાપારીકરણની ખિલાફ પોતાના ઉમદા વિચારો રજૂ કરે છે. વ્યાવસાયિક સંગીતમાં માતબર કામ કરનાર રજત ધોળકિયા પાસેથી નાદનાં જુદાં જુદાં સ્વરૂપો અને સંગીતના પ્રયોગો વિશેની વિપુલ જાણકારી મળે છે. જ્યારે પ્રખ્યાત લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીની વાતોમાં જીવનની વાસ્તવિકતાથી અધ્યાત્મ તરફની ગતિનો સાર મળે છે. રંગભૂમિ અને સુગમ સંગીત સાથે જોડાયેલા નિરંજન મહેતા પાસેથી રંગભૂમિનો ઇતિહાસ અને તેના પડાવો વિશેની રસપ્રદ માહિતી પ્રાપ્ત થાય છે ગુરુ-શિષ્ય પરંપરાને જીવંત રાખતાં સંગીતસાધિકા શુભા જોશી સાધનાનું મહત્ત્વ સમજાવી જીવનને ઊર્ધ્વ ગતિ આપવાની વાત કરે છે. નાટક, સિનેમા અને ટીવીના સફળ અભિનેતા દર્શન જરીવાલામાં રહેલા કવિનો પરિચય પ્રાપ્ત થાય છે. સાદી સરળ વાતચીત દ્વારા લેવાયેલી ગહન મુલાકાત માહિતીપ્રદ તો છે જ, સાથે દરેક પ્રતિભાનાં આંતર-બાહ્ય પાસાં સમજવા માટેની દીવાદાંડી બને છે.