હસમુખ કે. રાવલ
શબ્દોનાં કોડિયાં અને સંવેદનોની જ્યોતથી ભાવોનું અજવાળું પાથરતો કાવ્યસંગ્રહ એટલે હસમુખભાઈ રાવલનો અછાંદસ કાવ્યસંગ્રહ ‘અજવાળાં લ્યો અજવાળાં’.
પૃથ્વી, પ્રકૃતિ, પર્યાવરણ, માનવસંબંધ અને સમાજની વચ્ચે ધબકતા અને ક્યારેક થડકો ખાઈ જતા શ્વાસનો ધબકારો આ કાવ્યોમાં સાંભળવા મળે છે. અહીં કવિએ સ્વયંની બહાર જઈ સ્વયંની અંદર ડોકિયું કરવાનો અને સ્વયંની યાત્રાને કાવ્યબદ્ધ કરવાનો આયાસ આદર્યો છે, જેના ફળસ્વરૂપે કવિ ક્યાંક ‘કેલૈયો કલદાર’ તો ક્યાંક ‘મીઠો માનવી’ જેવાં પાત્રો રચી જીવનયાત્રાના સંવેદનશીલ પડાવો વિશે વાત કરે છે. ક્યાંક શહેરી કોલાહલની વચ્ચે ખોવાયેલા મોરના ટહુકા શોધે છે તો ક્યાંક ‘બે પગ’ અને રસ્તાઓ વચ્ચે થયેલા સંવાદને આપણી સમક્ષ રજૂ કરે છે. રોજની ઘટમાળ વચ્ચે રચાયેલાં ટેબલ કાવ્યો વૃક્ષનું રુદન અને ફરિયાદો સાંભળી શકાય છે. ‘ખિસ્સાં’ કાવ્યોમાં વીતેલું બાળપણ શોધવાનો પ્રયાસ છે અને ‘અજવાળાં’ કાવ્યોમાં અંધારની વચ્ચે ખોવાયેલાં અજવાળાં શોધવાનો પ્રયાસ છે. ‘શૂન્ય’ કાવ્ય દ્વારા જીવનની શૂન્યતાને સમજી અને તેને સ્વીકારવાની વાત કરી છે અને ‘કન્યાકુમારી’ કાવ્ય પ્રકૃતિના ખોળે બેસી તેની સાથે રચાયેલો નૈસર્ગિક સંવાદ છે.
માનવસંવેદનોની સંકુલતાને પામવા માટેના પ્રયાસરૂપે લખાયેલાં આ કાવ્યો આપણી આસપાસ વ્યાપક ભાવવિશ્વ ખડું કરે છે અને જીવનનો તાગ પામવા તરફ દોરી જાય છે.