સંજુ વાળા
કવિતા એટલે શું? ગાગર જેટલા શબ્દોમાં સાગર જેટલો ભાવ સમાવતું સાહિત્યસ્વરૂપ એ જ કવિતા. આપણી ભાષાના ઉત્તમ કવિઓએ આ વ્યાખ્યાને પોતાનાં કાવ્યોમાં સાર્થક કરી છે.
કવિ શ્રી ઉમાશંકર જોશીથી લઈને આધુનિક ગુજરાતી કવિતાના દરેક પડાવના પ્રથમ હરોળના સર્જકોની ઉત્તમ રચનાઓ કવિ શ્રી સંજુભાઈ વાળાને આકર્ષે છે અને તેઓ તેનો ભાવસભર આસ્વાદ કરાવે છે આ પુસ્તક દ્વારા. દરેક કૃતિના આસ્વાદનની શરૂઆત સર્જકના સંક્ષિપ્ત પરિચયથી કરવામાં આવી છે. કવિ હોવાને નાતે સંજુભાઈએ દરેક કૃતિનાં તકનીકી પાસાં અને કાવ્યસ્વરૂપની વાત તો કરી જ છે, પરંતુ કવિતામાં ગૂઢ રીતે છુપાયેલા કાવ્યતત્ત્વને પણ ઉઘાડ્યું છે.
રચનાની કઈ પંક્તિ કયો ભાવ પ્રગટાવે છે? દરેક રચના પાછળ કવિ દ્વારા શું ઇંગિત કરવામાં આવ્યું છે? કયાં પરિબળોની ઉપસ્થિતિથી કાવ્ય સિદ્ધ થાય છે? ભાષાનો વૈભવ અને શબ્દોનું લાઘવ કેવી રીતે પ્રગટ્યું છે? જેવી તમામ બાબતોની સૂક્ષ્મ સમજૂતી દ્વારા સંજુભાઈ ભાવકને કાવ્યની નિકટ લઈ જાય છે.
પ્રસ્તુત પુસ્તકમાં પ્રકૃતિકાવ્યો, ભક્તિરસ ગીતો, શૃંગારરસથી સભર રચનાઓ, સૉનેટ, ગઝલો, ઊર્મિગીતો, હાલરડાં, લોકગીતો, ભજનો જેવાં વૈવિધ્યસભર સ્વરૂપોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પુસ્તકને વ્યાપક બનાવે છે. સાથે એક કાવ્યમરમી તરીકે સંજુભાઈ દ્વારા કરવામાં આવેલી સરળ છતાં સચોટ મીમાંસા વાચકને દરેક કાવ્યના તત્ત્વ સુધી લઈ જઈ રસતરબોળ કરી મૂકે છે. ગુજરાતી કવિતાની ઉજ્જવળ શતાબ્દીનાં ઉત્તમ સર્જનો અને સર્જકોને જાણવા તેમ જ માણવા માટે ઉત્સુક દરેક કાવ્યપ્રેમી અને કાવ્યઅભ્યાસુ માટે આ પુસ્તક ઉપયોગી નીવડશે.