મૌલિન શાહ (ડૉ.)
અવિરત ચાલતી જતી જીવનની સફરમાં માણસ અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવતો હોય છે, પરંતુ એમાંથી કેટલીક મહત્ત્વની વ્યક્તિઓ યાદીમાં સૌથી ઉપર હોય છે.
આવા જ નિકટના સંબંધો પ્રત્યે હૃદયમાં ઉદ્ભવતા ભાવો અને લાગણીઓને વાચા આપતો કાવ્યસંગ્રહ ‘હું તારો ખાસ છું’.
ચાર વિભાગમાં વહેંચાયેલા આ સંગ્રહના પ્રથમ ભાગમાં દાંપત્યજીવનની સુવાસ પ્રસરાવતી ગઝલો છે.
જ્યાં પ્રેમ હોય ત્યાં તકરાર પણ હોય. આ બંને ભાવો જ સંબંધને પરિપૂર્ણ બનાવે છે.
ઝડપથી મોટાં થઈ જતાં બાળકોને સમર્પિત બીજા ભાગમાં પારેવડાં શીર્ષક હેઠળ મૌલિનભાઈએ માતા-પિતા અને સંતાનો વચ્ચેના સુંદર સંબંધને પોતાનાં કાવ્યોમાં ઝીલ્યો છે.
ઉંમરના એક પડાવ પર આવીને કવિ બાહ્ય બાબતોથી વિમુખ થઈ પોતાની ભીતર દૃષ્ટિ કરી આત્મખોજ કરવાનો પ્રયાસ કરે છે, જેના ફળસ્વરૂપ સાંપડેલી ગઝલો ત્રીજા ભાગમાં પ્રસ્તુત છે.
પુસ્તકના આખરી વિભાગમાં કેટલાંક મુક્તકોને સ્થાન મળ્યું છે. પ્રેમ આપવાથી મળે છે.
માનવીય સંવેદનો, લીલીસૂકી લાગણીઓ, જીવનની વાસ્તવિકતાઓ, વૈશ્વિક અસમાનતા અને અસંતુલન વચ્ચે હકારાત્મકના પડઘા જેવા વિવિધ ભાવોને પોતાનાં કાવ્યોમાં સમાવતો મૌલિનભાઈનો આ કાવ્યસંગ્રહ દરેક સામાન્ય વાચકને સ્પર્શી જશે.