ગોપાલ ધકાણ
ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર રમૂજી વનલાઇનરથી લખવાની શરૂઆત કરનાર ગોપાલભાઈ મિત્રો અને માર્ગદર્શકોની પ્રેરણાથી હાસ્યલેખો તરફ વળે છે અને સમયાંતરે તેમની આ હાસ્યસફર તેમને હાસ્યનિબંધસંગ્રહના પ્રકાશન સુધી લઈ આવે છે. ગદ્ય અને પદ્ય બંને પ્રકારોમાં કલમ ચલાવતા ગોપાલભાઈના હાસ્યનિબંધોમાં આજના સમયને સ્પર્શે તેવા નવા વિષયોને સ્થાન મળ્યું છે. જૂના જમાનામાં પ્રસંગોમાં ભોજન પીરસતા સારથિયા, તસવીરો ખેંચતા ફોટોગ્રાફર, માર્ચ એન્ડિંગનું પ્રેશર અને શૅરબજારની તેજી-મંદી જેવા વિષયોની સાથે ઑપરેશન જેવા ગંભીર વિષયમાંથી હાસ્યતત્ત્વને શોધી ગોપાલભાઈએ પોતાની રમૂજીવૃત્તિનો પરિચય આપ્યો છે. તો વળી ફિલ્મના મશહૂર ખલનાયક ગબ્બર સિંહ સાથે ઇન્ટરવ્યૂ અને યમરાજની કોર્ટમાં ભાષાશિક્ષક જેવી કાલ્પનિક પરિસ્થિતિ પર પણ સુંદર હાસ્ય નીપજાવ્યું છે. લોકલ બસની સફર અને ઘરના માળિયાની સફાઈ જેવા અનુભવોને પણ રમૂજી રીતે કંડાર્યા છે પોતાના નિબંધોમાં. ગોપાલભાઈના આ નિબંધોમાં હાસ્ય સાથે વ્યંગ પણ સહજ અને કુદરતી રીતે ઊપજી આવતું જણાય છે. નિબંધોમાં આવતાં પાત્રોની લાક્ષણિકતાઓ અને ઉદ્ભવતા ભાવોનું વર્ણન અનેરો વિનોદ પ્રગટાવી નિબંધોને આસ્વાદ્ય બનાવે છે. ગુજરાતી સાહિત્યમાં ઓછા ખેડાતા એવા પ્રકાર હાસ્યનિબંધોમાં ગોપાલભાઈનો આ સંગ્રહ તાજગી અને નવીનતાનો પડઘો પાડશે.