સુજ્ઞા શાહ
રવીન્દ્રનાથના અંતિમ દિવસો સુધી એમની સાથે રહેલાં રાણી ચંદ તેમની સહજ વાતો, ચર્ચાઓ અને વિવિધ પ્રસંગોની નોંધ કરતાં રહેતાં. આ દરમિયાન ગુરુદેવના ભત્રીજા અને ભારતીય ચિત્ર અને શિલ્પકલામાં પાયાનું યોગદાન આપનાર અવનીન્દ્રનાથ ઠાકુર પાસેથી તેમને ઠાકુરકુટુંબની પારંપરિક અને ઐતિહાસિક વાતો જાણવા મળે છે. આવી જ વાતોનો સંચય એટલે આ પુસ્તક ‘ઘરોઆ’.
બંગાળમાં પેઢીઓથી જમીનદારી સાથે જોડાયેલા આ ઠાકુરપરિવારની જાહોજલાલીનું અદ્ભુત વર્ણન અવનીન્દ્રનાથના મુખે થયેલું છે. મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરથી શરૂ કરીને તેમના વંશવેલામાં આવતા મહત્ત્વના વંશજોની રુઆબદાર જીવનશૈલી આકર્ષી જાય તેવી છે. શોખને કલાનું મૂળ માનતા અવનીન્દ્રનાથ પરિવારના અને નિકટના સ્નેહીજનોના અવનવા શોખ વિશે રસપ્રદ વાતો કરે છે, જેમાં પાન ખાવાથી લઈને ગીતો લખવાં-ગાવાં, ચિત્રો દોરવાં, શિલ્પો કંડારવાં જેવાં તમામ કાર્યો સામેલ છે.
બંગભંગ ચળવળમાં બંગાળી ભાષા માટે કૉંગ્રેસ અધિવેશનોમાં કરેલા દેખાવો, નૅશનલ ડ્રેસના સ્વીકારે જગાવેલી સ્વદેશી ભાવના, રવીન્દ્રનાથ અને તેમના પિતરાઈઓ દ્વારા રચાયેલાં અને ગવાયેલાં બંગાળી રાષ્ટ્રપ્રેમનાં ગીતો. આ તમામ ઘટનાઓ કલા અને રાષ્ટ્રપ્રેમને સમર્પિત ઠાકુરકુટુંબની આદર્શ છબી રજૂ કરે છે.
તો બીજી તરફ પરિવાર અને રસિકો દ્વારા ચાલતી નાટકકંપની અને ખામખેયાલિ સભાઓના ગઠનની વાતોમાં કલાપ્રેમી રવીન્દ્રનાથ અને તેમના કુટુંબની રચનાત્મક પ્રવૃત્તિઓ વિશે જાણવા મળે છે. દરેક નાટકની રચના અને દરેક ગીતના લેખન પાછળના અદ્ભુત પ્રસંગોમાં તત્કાલીન બંગાળના સામાજિક વાતાવરણને તો અનુભવી શકાય જ છે, સાથે સાથે રવીન્દ્રનાથની એક યુવાન કલાપ્રેમીથી શરૂ થયેલી સફર ગુરુદેવ બનવા સુધી કેવી રીતે વિસ્તરે છે તે પણ જોઈ શકાય છે.
રવીન્દ્ર સાહિત્યના ચાહકો અને વાચકોને આ પુસ્તક ગુરુદેવ અને તેમના પરિવારનો સુપેરે પરિચય કરાવી બંગાળની ઐતિહાસિક અને કલામય સફર કરાવે છે.