રવીન્દ્રનાથ ટાગોર
રવીન્દ્રનાથ 1916માં જપાન થઈને અમેરિકાના બીજી વારના પ્રવાસે ગયા ત્યારે તેમણે આપેલાં કેટલાંક વ્યાખ્યાનો ‘Personality’ શીર્ષકથી 1916માં ગ્રંથરૂપે પ્રગટ થયેલાં. તેમની દૃષ્ટિએ કલાનો મુખ્ય હેતુ વ્યક્તિત્વની અભિવ્યક્તિ છે; તે વિશ્લેષણાત્મક નથી, તેથી સાહિત્ય, ચિત્ર, સંગીતની સંવેદનપૂર્ણ ભાષા કે બીજું માધ્યમ પ્રયોજે છે, જેના ઘટકો અભેદ્યપણે ઐક્ય ધરાવે છે. જગત અને જીવનનું સત્ય માનવીના અનન્ય વ્યક્તિત્વ દ્વારા પામી શકાય છે. આ અનન્યતાનો એક (One) સર્વનો એક (One) છે, તે વૈશ્વિક ચેતના જ છે. ટાગોરે ઇશાવાસ્ય ઉપનિષદના શ્લોકો ઉન્નત કરી પોતાની ‘વ્યક્તિત્વ’ની વિભાવનાને પશ્ચિમ સમક્ષ વિશદતાથી મૂકી છે. માનવીનું આરંભિક પ્રાકૃતિક જીવન વિકાસ પામતા માનવજીવનમાં નૈતિક અને આધ્યાત્મિક વળાંકો આવે છે, જેને ટાગોર ‘બીજો જન્મ’ કહે છે.
ટાગોર શિક્ષણ સંદર્ભે દૃઢપણે માને છે કે બાળકો-કિશોરોને કુદરતના શાંત ખુલ્લા વાતાવરણમાં, ઉત્સવો અને કલાપ્રવૃત્તિઓ વચ્ચે, અધ્યાપકો સાથે સહનિવાસ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. પ્રાચીન આશ્રમશાળા તેમનો આદર્શ છે ને અહીં તેમની ‘શાંતિનિકેતન’ શાળા કેન્દ્રમાં છે. શાળામાં પ્રયોજાતાં ‘ધ્યાન’મંત્રોના પાઠ અને અર્થની ગહનતા પશ્ચિમના લોકોને સમજાવી, જીવનમાં તેના મહત્ત્વને નિર્દેશે છે. ભારતીય ‘નારી’ની તિતિક્ષાને તે બિરદાવે છે પણ તે સાથે નારીની ઇચ્છાને/નિર્ણયને સમાજમાં ઉચિત સ્થાન આપવું જોઈએ તેના પર ભાર મૂકે છે. એ રીતે નારીવાદી અભિગમનો પ્રારંભિક સૂર સંભળાય છે.