શ્રી ભાણદેવજી
માનવી સતત કશાકની શોધમાં રત રહેતો હોય છે. ક્યારેક પ્રેમ અને સૌંદર્ય, ક્યારેક જ્ઞાન અને શક્તિ, ક્યારેક આનંદ અને શાંતિ તો ક્યારેક અમરત્વ અને સાર્થક્ય. આ તમામ શોધોનો અંત આવે છે જ્યારે તેને પોતાનામાં રહેલા આત્માની પરખ થાય છે. આત્માની પ્રાપ્તિનો આ માર્ગ એટલે અધ્યાત્મ માર્ગ.
વેદો-ઉપનિષદોમાં તો આત્માની પ્રાપ્તિ માટે અનેક સૂત્રો, શ્લોકો અને વિધિ-વિધાન આપવામાં આવેલાં છે, પરંતુ અધ્યાત્મવિજ્ઞાનને સરળ અને સહજ રીતે સામાન્ય માનવી સુધી પહોંચાડવા શ્રી ભાણદેવજી વૈદિક જ્ઞાનને કથાનું સ્વરૂપ આપે છે. અધ્યાત્મનાં તત્ત્વો અભિવ્યક્ત થઈ શકે તેવી ભારતવર્ષમાં રચાયેલી અપરંપાર કથાઓ આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. રામાયણ અને મહાભારત જેવી પૌરાણિક કથાઓનાં પાત્રો અને પ્રસંગો અને વિવિધ સંતો-મહાત્માઓ દ્વારા કહેવાયેલી આ કથાઓ માણસને પોતાની ભીતર લઈ જાય છે અને તેને વિચારવા માટે પ્રેરિત કરી તેના મન ઉપર રહેલાં આસક્તિ અને મોહમાયાનાં પડળો દૂર કરી તેને સત્યસ્વરૂપ આત્માનાં દર્શન કરાવે છે અને અધ્યાત્મ માર્ગ તરફ દોરી જાય છે.
ગાગરમાં સાગરસમી આ કથાઓ વાંચવામાં ટૂંકી છતાં વેધક અને પ્રેરક છે, જે વેદ અને ઉપનિષદોમાં રહેલા ગૂઢ જ્ઞાનને સરળ સહજ ભાષામાં આપણા સુધી પહોંચાડી જીવનનો સાર સમજાવવા ઉપયોગી બને છે.