શ્રી ભાણદેવજી
અધ્યાત્મપથ પર ચાલનારા યાત્રીઓ અને સાધકો માટે સત્પુરુષો સાથેનો સત્સંગ એક મૂલ્યવાન સાધન છે. જ્ઞાન પામેલા પુરુષ પાસે બેસીને તેની અધ્યાત્મવાણીનું શ્રવણ અને તેમની સાથેની પ્રશ્નોત્તરીથી મળતું માર્ગદર્શન એ જ સત્સંગ. ભારતભૂમિ પર થઈ ગયેલા આવા અનેક મહાન સંતોની જીવનધારા અને અનુભવોને શ્રી ભાણદેવજી આપણા સુધી પહોંચાડે છે આ પુસ્તકના માધ્યમથી. જીવનભર કૃષ્ણપ્રેમપંથનું અનુસરણ કરનાર અને સમાજમાં હરિનામ સંકીર્તનનો પ્રસાર કરનાર પ્રભુ જગદ્બંધુનું જીવન પ્રભુસંકીર્તનનો મહિમા સમજાવે છે. ભગવાનને પોતાના પતિ કે પ્રિયતમ માની મધુર ભાવે ભજવાની ઉપાસનાપદ્ધતિનું શ્રેષ્ઠ ઉદાહરણ એવાં મીરાંબાઈની ભક્તિ અને સાધનાપથ પાછળ રહેલા વિજ્ઞાન અને શાસ્ત્રની સમજૂતી પ્રેરક છે. ભગવાન શ્રી વિષ્ણુના સ્વરૂપ શ્રીરંગનાથ ભગવાનને પતિ તરીકે પસંદ કરી તેની ભક્તિમાં તન્મય બની અનેક ભજનોની રચના કરનાર સ્ત્રીસંત શ્રી આંડલની જીવનયાત્રાનું વર્ણન પ્રાચીન સંતોની શ્રેણીને જીવંત કરી મૂકે છે. અધ્યાત્માના ગૂઢ અર્થોને કથ્ય છતાં કથ્ય રીતે રજૂ કરતી કબીરસાહેબની અવળવાણીની ખૂબીઓ અને તેમાં રહેલો સાર શ્રી ભાણદેવજીએ સરળ શબ્દોમાં સમજાવ્યો છે. જ્યારે સમાધિ દ્વારા સ્વેચ્છાએ મૃત્યુને વરેલી સંતત્રિપુટી ભક્ત કાહળસંગ, ગંગાસતી અને પાનબાઈનાં ત્યાગ અને તપસ્યા વંદનીય છે. આ સાથે જ ભાણદેવજીએ પુસ્તકમાં દક્ષિણ ભારતની સુપ્રસિદ્ધ ભક્તિધારા આળવારનો પરિચય કરાવ્યો છે. આ ઉપરાંત વિવિધ પ્રાંતોમાં થઈ ગયેલા સંતોનો પરિચય કરાવી અધ્યાત્મની ધૂણી ધખાવી છે. રામસીતાને પોતાનાં બહેન-બનેવી બનાવી પૂજનાર મામા પ્રયાગદાસજી, પોતાના સતીત્વથી કામુક પતિને કોઢીલો કરી મૂકનાર અને અંતે તેનો પણ ઉદ્ધાર કરનાર સતી લોયણ, દીનદુઃખિયાની સેવા માટે એક ક્ષણમાં આભૂષણો ઉતારી નવવધૂમાંથી સતી બનેલાં અમરબાઈમાં કે ગુલામીમાંથી મુક્ત થઈ સૂફીસંત બનેલાં રાબિયાજી જેવાં અનેક સંતોની જીવનઝરમર વાચકના મનમાં પરમ પ્રકાશ પાથરી જાય છે.
પોતાના પ્રત્યેક શ્વાસને પ્રભુસ્મરણમાં પરોવી અધ્યાત્મમાર્ગને ઉજ્જવળ બનાવનાર મહાન સંતો વિશેની વાતોનો આ સત્સંગ વાચકને ભક્તિ અને સાધનાની નવી દિશા ખોલી આપશે.